ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોમવારે જ 160થી વધુ તાલુકાઓ પાણી-પાણી થયા હતા. સૌથી વધુ વલસાડના વાપીમાં
.
બીજી તરફ, નવસારીમાં ભારે વરસાદને પગલે કોઝવે અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં જિલ્લાના 26 મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. જેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં 13, જલાલપોર અને ગણદેવીમાં 5-5 તેમજ ચીખલી, ખેરગામ અને વાંસદામાં 1-1 રસ્તો બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના વાલોદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (7 જુલાઈ) પણ રાજ્યના 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

તાપીનો ડોસવાડા ઓવરફ્લો, 17 ગામ એલર્ટ ભારે આકાશી આફત વચ્ચે તાપી જિલ્લાના સોનગઢમાં આવેલો ગાયકવાડી શાસન સમયનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પરથી 2.4 સેન્ટીમીટર જેટલું પાણી વહી રહ્યું હોવાથી હેઠવાસના 17 ગામોને હાઈએલર્ટ કરાયા છે.
નર્મદાના સાગબારા-ચીકદામાં નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસ્યાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સાગબારા અને ચીકદા પંથકમાં નદી-નાળાઓ ઉભરાતાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ગરીબોની ઘરવખરી તણાઈ ગઈ છે. સેલંબાના ગોટાપાડા પુલ પર પાણી ફરી વળવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા હતા અને સેલંબા ખાડીમાં એક ગાય તણાઈ હોવાના અહેવાલ છે.
અમરેલીમાં પૂરની વચ્ચે 8 લોકોનું દિલધડક રેસ્ક્યૂ અમરેલી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે. સાવરકુંડલાના ફીફાદ ગામથી ગારીયાધાર રોડ પર આવેલી મેરામણ નદીમાં અચાનક પૂર આવતા એક ટ્રક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ટ્રકમાં સવાર 8 લોકોના જીવ જોખમમાં મુકાતાં વંડા પોલીસની ટીમ સ્થાનિક આગેવાનોની મદદથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ તમામ 8 લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.

સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદના કારણે સોમવારે જળબંબાકાર સર્જાયો હતો તેના દૃશ્યો.

સોમવારે રાત્રે સુરત અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ ઘેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા
મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર પડી સોમવારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તેમજ વલસાડ જિલ્લાને અડીને આવેલા રેલવે રૂટ પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ખાસ કરીને પાલઘર રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો.
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે અનેક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા હતો.જેમાં કુલ 16 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે 15 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 26 ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને તેમને મોડી દોડાવવામાં આવી હતી અને 13 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.



