
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોમાસું ક્યારે શરૂ થશે એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગની અનુસાર, ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદને કારણે લોકોને રાહત થઈ શકે છે.
ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.
આ દરમિયાન ગત 24 કલાકમાં ગુજરાતનું હવામાન સૂકું રહ્યું છે.
હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે.
ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, IMD
ભારતમાં 4 જૂનથી થયેલી ચોમાસાની શરૂઆત બાદ, ચોમાસું 8 જૂન, 2026ના રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ તેમજ તેલંગણાના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.
હવામાન વિભાગ મુજબ, ચોમાસાની ઉત્તરીય સીમા હાલ ભારતના હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, ચેન્નાઈ પરથી પસાર થઈ રહી છે.
સ્કાયમેટ વેધર અનુસાર, કેરળમાં ચોમાસું એ અરબ સાગરના પ્રભાવ હેઠળ આકાર લે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં ચોમાસાની પરિસ્થિતિ માટે બંગાળની ખાડીમાં કેટલીક સિસ્ટમ બનવી જરૂરી હોય છે.
હાલમાં બંગાળની ખાડીમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જે દેશના દક્ષિણી વિસ્તારોમાં ચોમાસું આગળ વધારી શકે.
પૂર્વ-પશ્ચિમ ટ્રફ રેખા એ કોંકણ કિનારાથી ઉત્તર આંધ્ર પ્રદેશ સુધી, મહારાષ્ટ્ર, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં બનેલી છે.
પ્રી-મોન્સૂન વરસાદ એ ટ્રફ રેખાની કોઈ પણ બાજુએ 10 અને 11 જૂને પડી શકે છે. જોકે, આ વરસાદને મોન્સૂન ઍક્ટિવિટીના ભાગરૂપે ન ગણવો જોઈએ.
આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તે માટે નવી સિસ્ટમની જરૂર છે.
બંગાળની ખાડીમાં એક સક્રિય મોન્સૂન સિસ્ટમ એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ જરૂરી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તામિલનાડુના કેટલાક ભાગો અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, તેમજ છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં સાનુકૂળ પરિસ્થિતિઓ સાથે આગળ વધી રહ્યું છે.
ત્યારે બીજી તરફ ઉત્તર ભારતને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 જૂનથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરમાં આવે તેવી પણ સંભાવના છે.
તેના કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
9 જૂનની સ્થિતિ મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે.
ઉપરાંત આ દિવસે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.
10 જૂન અંગે હવામાન વિભાગે બુલેટિનમાં જણાવ્યું છે કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
તો 11 જૂનની સ્થિતિ મુજબ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે.
ત્યારે આ સિવાયના ગુજરાતના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિવાય આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા પાયે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ગુજરાતમાં તાપમાન કેવું છે?
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા હવામાનના આંકડાઓ તરફ નજર કરીએ તો ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું.
ગુજરાતના તાપમાનમાં મહત્તમ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો.
કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું હતું, જ્યારે તે સિવાયના બાકીના વિસ્તારોમાં હવામાન સામાન્ય રહ્યું હતું.
અમદાવાદ અને રાજકોટ ખાતે ગુજરાતનું સૌથી વધુ મહત્તમ તાપમાન 41. 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


