Last Updated:
સુરતના પાલ વિસ્તારમાં આવેલું ભૃગુદીપ જલારામ મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પણ ભક્તિ, સેવાભાવ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની ગયું છે. જલારામ બાપાની 226મી જયંતિને લઈને મંદિર રંગબેરંગી લાઇટ, ફૂલોના શણગાર અને ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે.
સુરતઃ સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 226મી જન્મજયંતીની ઉજવણીની તૈયારી થઈ રહી છે. બાપાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં પાલ વિસ્તારની એલ.પી. સવાણી શાળા નજીક આવેલું ભૃગુદીપ જલારામ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આશરે 27 વર્ષ જૂનું આ મંદિર માત્ર તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં, પરંતુ જલારામ બાપાની મૂર્તિઓ માટે પણ પ્રસિદ્ધ છે.
સુરતમાં વરસાદી માહોલ હોવા છતાં પણ શહેરના મંદિરોમાં જલારામ જયંતિ ઉજવણી માટે રંગબેરંગી લાઇટ, કમાન, ધજા, તોરણો, દીવા, રંગોળી વગેરેના શણગારે બાપાના મંદિરોને સજાવવામાં આવી રહ્યા છે. અન્નકૂટ, મહાઆરતી સાથે ભંડારો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના પ્રખ્યાત મંદિરમાં પણ તૈયારીઓ જોરશોરથી શરૂ છે.

જલારામ જયંતિને લઈને મંદિરમાં હાલ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે, દીવડા અને રંગોળીથી મંદિરને શણગારવા સ્વયંસેવકો સતત સેવા આપી રહ્યા છે. જલારામ જયંતિના દિવસે પ્રસાદી રાત્રે 9 વાગ્યા સુધી મળશે, જેથી વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે. મંદિરમાં નાની 1 થી 1.5 ફૂટની પ્રતિમાથી લઈને 15 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ સુધી બાપાની છ અલગ-અલગ પ્રતિમાઓ સ્થાપિત છે. સૌથી મોટી પ્રતિમા મંદિરના શિખર પર સ્થાપિત છે, જે દૂરથી જ દેખાય છે અને બાપા ભક્તોને દૂરથી જ આશીર્વાદ આપે છે તેવી લાગણી ભક્તોમાં છે.
આ મંદિર માત્ર પૂજાના સ્થાન તરીકે નહીં, પણ ભક્તિ, સેવાભાવ અને સામાજિક એકતાનું પ્રતીક બની ગયું છે. દર અઠવાડિયે હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે અને બાપાના આશીર્વાદથી નવી શક્તિ અને આશા સાથે જીવનમાં આગળ વધે છે. આ અંગે મંદિરના પૂજારી સ્વરૂપભાઈ રાવલે જણાવ્યું હતું કે, અહીં દર રવિવારે ખીચડી અને છાસનો ભંડારો યોજાય છે. અનેક ભક્તો દૂર દૂરથી પ્રસાદી લેવા અને બાપાના દર્શન કરવા આવે છે. ભક્તોનો વિશ્વાસ છે કે જલારામ બાપા મનની દરેક ઇચ્છા પૂરી કરે છે.
October 28, 2025 4:41 PM IST



